થાણે સ્થિત ઘોડબંદર વિસ્તારમાં પંદર લાખ રૂપિયાની ખંડણી વસૂલવા ધોળેદિવસે એક સ્થાનિક વેપારીનું અપહરણ થયું હતું. જોકે પેટ્રોલિંગ કરતી પોલીસ ટીમની સતર્કતાને કારણે અપહૃત વેપારીનો હેમખેમ છુટકારો થયો હતો તેમ જ છ અપહરણકર્તાઓ સાથે ગુનાખોર ટોળકી આબાદ રીતે પોલીસની પકડમાં આવી હતી. વેપારીના અપહરણની આખી યોજના તૈયાર કરી પાર પાડનારો સૂત્રધાર આરોપી ગિરિજા પ્રસાદ ગુપ્તા ઉર્ફે છોટુ ફરાર છે. છોટુ અપહરણ થયું હતું તે વેપારીનો મામનો દીકરો છે. ટૂંક સમયમાં તે પણ પકડમાં આવી જશે, એમ સિનિયર પીઆઇ પ્રકાશ ગવ્હાણેએ જણાવ્યું હતું.
થાણે સ્થિત કાપુરબાવડીના મનોરમા નગરમાં મોબાઇલનો વ્યવસાય કરતા જિતેન્દ્ર ગુપ્તાએ થોડા સમય પહેલાં પોતાનો એક ફલેટ ત્રીસ લાખ રૂપિયામાં વેરયો હતો. આ ઘટનાની જાણ ગિરિજા ગુપ્તાને થઇ હતી. વેપારીનું અપહરણ કરાય તો તેના પરિવારજનો મકાન વેચીને આવેલી રકમમાંથી અડધી રકમ આસાનીથી આપી દેશે, એવી ગણતરી સાથે ગિરિજાએ જિતેન્દ્રના અપહરણની યોજના બનાવી હતી. શનિવારે મોબાઇલ ફોનના મોટા જથ્થાની ડીલ કરવાને બહાને ગિરિજાએ જિતેન્દ્રને ઘોડબંદર રોડ પર બોલાવ્યો હતો.
ગિરિજાના સાથીદારોએ જિતેન્દ્રને ઇન્ડિકા કારમાં બેસાડી બેહોશીનું ઇન્જેકશન મારી દીધું હતું. આરોપીઓ જિતેન્દ્રને લઇને શહેરની બહાર નીકળવાની તૈયારીમાં જ હતા ત્યારે પોલીસે શંકાસ્પદ જણાઇ આવેલી કારની તપાસ કરી અપહૃત જિતેન્દ્રને ઉગારી લીધો હતો. જિતેન્દ્રનું અપહરણ કરનારા અશોકસિંહ, દેવનારાયણ શાહુ, રણજિત યાદવ, અરવિંદ યાદવ, મધુકર કોથમિરે અને અજયસિંહને ઝડપી લીધા હતા.
No comments:
Post a Comment